સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ, મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કાઉન્સેલિંગના માધ્યમથી તૂટવાના આરે પહોંચેલા પરિવારને ફરી એક કરવામાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ૨૬ વર્ષીય પરિણીતાએ ઘરેલુ હિંસાના આક્ષેપો સાથે મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી. છેલ્લા સાત માસથી તેઓ પોતાની પુત્રી સાથે પિયરમાં રહેતા હતા. અરજીના પગલે કેન્દ્રના કાઉન્સેલરો દ્વારા પતિ-પત્ની તથા સાસરી પક્ષનું રૂબરૂ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
કાઉન્સેલરો દ્વારા પરિવારનું મહત્વ, બાળકના ભવિષ્ય અને પરસ્પર સમજણ અંગે શાંતિપૂર્વક સમજાવટ કરવામાં આવતા પતિ અને સાસુ દ્વારા ભવિષ્યમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ કે હિંસા નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરિણામે મહિલાનું સાસરીમાં સુખદ પુનઃસ્થાપન થયું હતું.
મહિલા સહાયતા કેન્દ્રના સમયસરના કાઉન્સેલિંગ અને મધ્યસ્થીથી પરિવારનું પુનઃમિલન થતાં અરજદાર પરિવારે પોલીસ વિભાગ અને મહિલા સહાયતા કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
