વલસાડ જિલ્લામાં કામ કરતા મકાન બાંધકામના બિલ્ડરો, ઔદ્યોગિક એકમોના લેબર કોન્ટ્રાક્ટરો મજુરી કામ અને રોડ તથા ટેલીફોન કંપનીઓમાં તેમજ ગેસ લાઈન અને લગ્ન મંડપનું કામ કરતા તથા અન્ય ઘણા બધા મોટા કન્સ્ટ્રકશન તથા વધારે મજુરો કામ ક૨તા હોય તેવી જગ્યાઓ, માર્કેટો, ધંધાના એકમો, દુકાનો, ઓફીસો, હોટલો, નગર નિગમો માટે મજુરી કામ કરતા પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરોના કર્મચારી/ કારીગરો/ મજુરો અંગેની વિગતો/ બાયોડેટા તેઓના માલિકો દ્વારા સચોટ અને પુરતી માહિતી પોલીસને સમયસર પુરી પાડવામાં આવતી નથી. આવા વર્કરો અન્ય રાજ્યો જિલ્લાઓમાં ગુનાહિત કૃત્ય કરીને વલસાડ જિલ્લા ખાતે આવી વિવિધ જગ્યાએ કામ અર્થે આવી વસે છે. જે અંગે તેઓનાં માલિકો/ ઠેકેદારોને માહિતી હોતી નથી. આવા વર્કરો જિલ્લા ખાતે બેરોકટોક વસવાટ કરી ગુનાહિત કૃત્ય કરી નાસી જાય ત્યારે તેઓના માલિક/ઠેકેદારો પાસે પુરતી માહિતી ન હોવાના કારણે પોલીસ તેઓ સુધી પહોંચી શકતી નથી અને આવી વ્યક્તિઓ નકસલી, આતંકવાદી વિગેરે જેવી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા સંકળાવાની હોય તેવી સંભાવના નકારી શકાય નહી જેથી તમામ બિલ્ડરો/ કોન્ટ્રાક્ટરો/ ઔદ્યોગિક એકમો/ હોટલો વિગેરે તમામે પોતાને ત્યાં મજુરીએ અથવા નોકરીએ રાખેલ તમામ કર્મચારી/ મજુરોના તેઓના મુળ વતન તથા હાલના સરનામાં તથા આઈડી પ્રુફ/અગાઉનો ગુનાહિત ઇતિહાસ/હાલના ફોટોગ્રાફ સહિતની માહિતી નિયત પ્રફોમામાં નજીકના પોલીસ સ્ટેશનમાં પુરી પાડવા તથા તેઓ દ્વારા નોકરીએ રાખવામાં આવનાર કર્મચારી ભારતીય નાગરીક છે કે કેમ? તેની ખાત્રી કરી નોકરીએ રાખવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લામાં મજુરી/નોકરી અર્થે આવતા પરપ્રાંતીય કારીગરો/મજુરોના મુળ વતન તથા હાલના સરનામાં સહિતની તમામ માહિતી એકત્ર કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભવ્ય વર્મા (આઈ.એ.એસ.)એ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ થી મળેલી સત્તાની રૂએ જાહેરનામુ બહાર પાડી હુકમ કર્યો છે કે, જિલ્લામાં તમામ મકાન બાંધકામના બિલ્ડરો, ઔદ્યોગિક એકમોના લેબર કોન્ટ્રાક્ટરો મજુરી કામ અને રોડ તથા ટેલીફોન કંપનીઓમાં તેમજ ગેસ લાઈન અને લગ્ન મંડપનું કામ કરતા તથા અન્ય ઘણા બધા મોટા કન્સ્ટ્રકશન તથા વધારે મજુર કામ ક૨તા હોય તેવી જગ્યાઓ, માર્કેટો, ધંધાના એકમો, દુકાનો, ઓફીસો, હોટલો, નગર નિગમો માટે મજુરી કામ કરતા પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરોના કર્મચારી/કારીગરો/મજુરોની “પત્રક-એ”ના કોલમનં.૧ થી ૧૪ મુજબની માહિતી સંબંધિત એકમોના માલિકોએ તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશનને આ જાહેરનામાની તારીખથી દિન-૧૫ માં આપવાની રહેશે. તેમજ નોંધણી થયેલ તમામ કર્મચારી/કારીગરો/મજુરોની ઉપરોક્ત માહિતી અંગેનું નોંધણી નંબર સહિતનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને જયારે પણ પોલીસ વિભાગ દ્વારા આ બાબતેની માહિતી ચકાસણી કરવા સારૂ માંગવામાં આવે ત્યારે માહિતી પુરી પાડવાની રહેશે. તેમજ એકમોના માલિકોએ નોકરીએ રાખવામાં આવનાર તમામ કર્મચારી/કારીગરો/મજુરો ભારતીય નાગરીક છે કે કેમ? તેની ખાત્રી કરી નોકરીએ રાખવાના રહેશે. આ બાબતે સમગ્ર વલસાડ જિલ્લામાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને જાણ કરવાની રહેશે.આ જાહેરનામાના અમલવારીનો સમયગાળો તા. ૨૦/૦૧/૨૦૨૬ થી તા. ૨૦/૦૩/૨૦૨૬ સુધીનો રહેશે.
વલસાડ જિલ્લામાં આવેલી સરકારી કચેરી/અર્ધસરકારી કચેરી/બોર્ડ/નિગમ/સરકારી સંસ્થા તથા સરકારી ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાના અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાંમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટરશ્રી કે તેથી ઉપરનાં હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
